તમામ રાજકીય પક્ષોએ ઉમેદવારની ગુનાહિત પ્રવૃત્તિની માહિતી ECને આપવી પડશે: SC

February 13, 2020 1775

Description

સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચૂંટણી સુધારાને લઈને મહત્વનો આદેશ આપ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટે તમામ રાજકીય પક્ષોને કહ્યું છે કે, તેઓ પોતાની વેબસાઈટ પર ગુનાહિત છબી ધરાવતા ઉમેદવારોની પસંદગીનું કારણ જણાવે. તેની સાથે દાગી ઉમેદવારોના આપરાધિક આંકડાની જાણકારી ચૂંટણી પંચને આપવા માટે પણ આદેશ કર્યો છે.

રાજકારણના અપરાધીકરણ પર રોક લગાવવા માટે ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે બે માસ પહેલા 25 નવેમ્બરે પણ નિર્દેશ આપ્યો હતો કે, તેઓ ગુનાહિત રેકોર્ડ ધરાવનારા લોકોને ચૂંટણી લડવાથી રોકવાનો આદેશ મંજૂર કરે.

જેથી ત્રણ માસની અંદર રાજકીય પક્ષોને ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા નેતાઓને ટિકિટ આપવાથી રોકી શકાય. ત્યારે સીજેઆઈ એસ. એ. બોબડે અને જસ્ટિસ બી. આર. ગવઈની ખંડપીઠે અશ્વિની ઉપાધ્યાયની જાહેરહિતની અરજી પર વિચારણા કરવાનો ઈન્કાર કરતા આ આદેશ આપ્યો હતો.

અશ્વિની ઉપાધ્યાયની માગણી હતી કે પાર્ટીઓને ગુનાહિત છબી ધરાવતા લોકોને ચૂંટણીની ટિકિટ આપવાથી રોકવામાં આવે. તેની સાથે જ ઉમેદવારનો ગુનાહિત રેકોર્ડ અખબારોમાં પ્રકાશિત કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો.

ઉપાધ્યાયે અરજીમાં કહ્યુ હતુ કે, એડીઆર તરફથી પ્રકાશિત આંકડા મુજબ. ભારતમાં રાજકારણના અપરાધીકરણમાં વધારો થયો છે અને 24 ટકા સાંસદો વિરુદ્ધ ગુનાહિત કેસો વિલંબિત છે.

Leave Comments