કોહલી બ્રિગેડ સામે કાંગારૂઓ પસ્ત, 36 રને ભારતનો રોમાંચક વિજય

June 10, 2019 995

Description

આઈસીસી વિશ્વ કપ 2019ની 14મી મેચ ઑવલનાં કેનિંગ્ટન મેદાન પર ભારત અને ઑસ્ટ્રેલિયાની વચ્ચે રમાઈ. ભારતે આ મેચમાં ઑસ્ટ્રેલિયાને 36 રને પરાજય આપ્યો છે અને વર્લ્ડ કપ 2019માં પોતાની બીજી મેચ પણ જીતી લીધી છે. શિખર ધવનને તેની શાનદાર ઇનિંગ માટે મેન ઑફ ધ મેચ જાહેર કરાયો. ભારતે પહેલા બેટિંગ કરતા 50 ઑવરમાં 5 વિકેટે 352 રન બનાવ્યા હતા, જેનો પીછો કરતા ઑસ્ટ્રેલિયા 316 રને ઑલઆઉટ થઈ ગયું હતુ.

આ મેચમાં ભારતે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. વિરાટ કોહલીનાં આ નિર્ણયને શિખર ધવન અને રોહિત શર્માની જોડીએ યોગ્ય સાબિત કર્યો અને બંનેએ પહેલી વિકેટ માટે 127 રનની તોતિંગ ભાગેદારી નોંધાવી. ભારત તરફથી શિખર ધવને સૌથી વધારે 117 રન બનાવ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલીએ 82, હાર્દિક પંડ્યા તાબડતોડ બેટિંગ કરતા 27 બૉલમાં 48, મહેન્દ્ર સિંહ ધોનીએ 27 અને લોકેશ રાહુલે અણનમ 11 રન બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયા તરફથી માર્કસ સ્ટોઇનિસે 2, પેૈટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક અને નાથન કુલ્ટર નાઇલે 1-1 વિકેટ ઝડપી હતી.

353 રનનાં પડકારનો સામનો કરવા ઉતરેલી ઑસ્ટ્રેલિયાની શરૂઆત પણ શાનદાર રહી હતી અને ઑપનર ડેવિડ વૉર્નર અને એરૉન ફિંચે 61 રનની ભાગેદારી નોંધાવી હતી. ડેવિડ વૉર્નરે 56 અને ફિંચે 36 રન બનાવ્યા હતા. ત્યારબાદ સ્ટીવ સ્મિથે 69, ઉસ્માન ખ્વાજાએ 42, ગ્લેન મેક્સવેલે 28 અને સાતમાં નંબરે બેટિંગમાં આવેલા એલેક્સ કૈરીએ અણનમ 55 રન બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયાની ટીમ 50 ઑવરમાં 316 રને ઑલઆઉટ થઈ ગઈ હતી.

ભારત તરફથી જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વર કુમારે 3-3 વિકેટ ઝડપી હતી. તો યુઝવેન્દ્ર ચહલે 2 વિકેટ ઝડપી હતી.

Leave Comments