ચાંદીમાં 10 વર્ષનો રેકોર્ડ તુટ્યો, સોનું 40 હજારની સપાટી નજીક પહોચ્યું

August 13, 2019 1445

Description

વિદેશના સકારાત્મક વલણ અને જ્વેલર્સની નવેસરથી લેવાલીને કારણે સોમવારે દિલ્હીના સોના-ચાંદી બજારમાં ૯૯.૯ ટકા શુદ્ધતા ધરાવતા સોનાનો ૧૦ ગ્રામનો ભાવ રૂ.૫૦ વધીને રૂ.૩૮,૪૭૦ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. બીજી બાજુએ ચાંદીના ભાવમાં કડાકો જોવાયો હતો. ચાંદીનો ભાવ એક કિલોએ રૂ.૧૧૫૦ ઘટી રૂ.૪૩,૦૦૦ થયો હતો.

વિદેશી બજારોમાં સકારાત્મક વલણ અને સ્થાનિક સ્તરે માગ વધવાને કારણે સોનાના ભાવમાં વધારો જોવાયો છે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શુક્રવારે જણાવાયું હતું કે તેઓ ચીન સાથે સમજૂતી કરવા તૈયાર નથી. ત્યારબાદ અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર તંગદિલી વધવાથી રોકાણકારોને સોનામાં રોકાણ કરવાનું સુરક્ષિત જણાયું હતું. વ્યાપાર તંગદિલીને કારણે છેલ્લા થોડા દિવસોમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી છે.

દિલ્હીમાં ૯૯.૫ ટકા શુદ્ધતા ધરાવતા સોનાનો ૧૦ ગ્રામનો ભાવ રૂ.૫૦ વધી રૂ.૩૮,૩૦૦ થયો હતો. સોનાની આઠ ગ્રામ ગીનીનો ભાવ રૂ.૨૮૬૦૦ ઉપર જળવાઈ રહ્યો હતો. ચાંદીની સાપ્તાહિક ડિલિવરીનો ભાવ એક કિલોએ રૂ.૪૩,૩૨૪ ઉપર બરકરાર રહ્યો હતો. ચાંદીના ૧૦૦ સિક્કાનો ખરીદી અને વેચાણ ભાવ અનુક્રમે રૂ.૮૮,૦૦૦ અને રૂ.૮૯,૦૦૦ યથાવત રહ્યો હતો.

Leave Comments