2020 હાય હાય – સંદેશ વિશેષ

June 28, 2020 185

Description

ભારત અને ચીન વચ્ચે લડાખમાં ગલવાન ઘાટીમાં હિંસક ઘર્ષણ બાદ તણાવ વધી રહ્યો છે. તેવામાં જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં સરકારે બે માસ માટે એલપીજી સિલિન્ડરનો સ્ટોક કરવા માટે લોકોને આદેશ આપ્યો છે. તેની સાથે સુરક્ષાદળો માટે સ્કૂલની ઈમારતોને ખાલી કરવાનો આદેશ પણ અલગથી જાહેર કર્યો છે. સરકારના આ બંને આદેશોને કારણે કાશ્મીર ખીણમાં સ્થાનિકોના ચહેરા પર ચિંતાની ઝલક સાફ દેખાઈ રહી છે. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ જી. સી. મુર્મૂએ 23 જૂને એક બેઠક કરી હતી. તેના પછી એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો અને તેમા કહેવામાં આવ્યું હતું કે કાશ્મીર ખીણમાં એલપીજી ડિસ્ટ્રીબ્યૂટર્સ ઓછામાં ઓછા બે માસ માટે સિલિન્ડરનો સ્ટોક કરી લે… કારણ કે ભૂસ્ખલનને કારણે નેશનલ હાઈવે બંધ થવાને કારણે સપ્લાઈ અસરગ્રસ્ત થવાની શક્યતા છે. આ સિવાય કારગીલની નજીકના ગાંદરબલ વિસ્તારમાં સુરક્ષાદળો માટે સ્કૂલોની ઈમારતોને ખાલી કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ કરીને કહ્યુ છે કે સરકારના આદેશ બાદથી કાશ્મીરમાં દહેશતનો માહોલ પેદા થઈ ગયો છે. મહત્વપૂર્ણ છે કે કાશ્મીર ખીણમાં આવા આદેશ બાદ મોટા ઘટનાક્રમો થયા છે. ગત વર્ષ ફેબ્રુઆરીમાં પાકિસ્તાનની અંદર ઓપરેશન બાલાકોટ અને ગત વર્ષ ઓગસ્ટમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને બિનઅસરકારક કરવા જેવા આદેશો સરકારે જાહેર કર્યા હતા.

પીએમ મોદીએ મન કી બાતમાં એલએસી પર તણાવ મામલે સીધી વાત કરી છે અને ચીનના નામોલ્લેખ વગર ચેતવણી આપી છે કે ભારત મિત્રતા નિભાવવાનું જાણે છે અને આંખમાં આંખ નાખીને જોવાનું તથા યોગ્ય જવાબ દેવાનું પણ જાણે છે. તેમણે કહ્યુ કે લડાખમાં ભારતની જમીન પર આંખ ઉઠાવનારાઓને આકરો જવાબ મળ્યો.

ચીન વિવાદ પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને જવાબ આપ્યો છે. અમિત શાહે કહ્યુ છે કે સરકાર સંસદમાં ચીનના મુદ્દે 1962થી લઈને અત્યાર સુધીની ચર્ચા કરવા તૈયાર છે. દેશના જવાનો સીમા પર સંઘર્ષ કરી રહ્યા હોય, ત્યારે પાકિસ્તાન અને ચીન ખુશ થાય તેવા નિવેદનો આપવા જોઈએ નહીં.

લડાખમાં એલએસી પર તણાવ ઘટાડવાની કોશિશ

ભારત-ચીન વચ્ચે હવે દર સપ્તાહે થશે મીટિંગ

સંરક્ષણ, વિદેશ, ગૃહ વિભાગના અધિકારીઓ થશે સામેલ

બેઠકમાં સૈન્ય કમાન્ડરો પણ લેશે ભાગ

ચીન પોતાના આક્રમક વલણ અને વિસ્તારવાદી નીતિઓને કારણે એશિયામાં ઘેરાઈ રહ્યું છે. ભારત અને ચીન વચ્ચે લડાખમાં તણાવ ચરમ પર છે. ત્યારે પૂર્વ ચીન સાગરમાં ટાપુઓને લઈને ચીનના ચેનચાળાઓને કારણે જાપાન સાથે તણાવ સર્જાયો છે. આ તણાવ વચ્ચે ભારતીય અને જાપાની નૌસેનાઓએ હિંદ મહાસાગરમાં ચીનના વધતા ખતરાનો સામનો કરવા માટે સંયુક્ત યુદ્ધાભ્યાસ કર્યો છે. જાપાની નૌસેનાના ટ્વિટ પ્રમાણે, 27 જૂને જાપાન મેરિટાઈમ સેલ્ફ ડિફેન્સ ફોર્સના જેએસ કાશિમા અને જેએસ શિમાયુકીએ ભારતીય નૌસેનાના આઈએનએસ રાણા અને આઈએનએસ કુલીશની સાથે હિંદ મહાસાગરમાં સંયુક્ત કવાયત કરી છે. મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં જાપાની ડિસ્ટ્રોયર જહાજ કાગાએ દક્ષિણ જાપાનના ઓકિનાવા ટાપુ પાસે 24 દરિયાઈ માઈની અંદર એક ચીની સબમરીને ખદેડી હતી.

ગલવાનમાં ભારતના 20 જવાનોની શહીદી બાદ દેશભરમાં ચીન સામે ગુસ્સો છે. પશ્ચિમ બંગાળમાં ચીનના રોકાણનો વિરોધ કરતા જોમેટોના ડિલિવરી બોયઝે ટીશર્ટ સળગાવીને વિરોધ કર્યો હતો અને નોકરીમાંથી રાજીનામા આપ્યા હતા.

કુશાસન, ભ્રષ્ટાચાર, કોરોના સામે નિષ્ફળતા અને તાનાશાહી વલણને કારણે નેપાળની જનતાની સાથે પાર્ટીનો પણ વિશ્વાસ ગુમાવી ચુકેલા નેપાળના વડાપ્રધાન કે. પી. શર્મા ઓલીની ખુરશી ખતરામાં છે. ત્યારે ઓલીઓ આની ભડાશ ભારત પર કાઢી છે. ચીનના ખોળે બેઠેલા નેપાળના વડાપ્રધાન ઓલીએ કહ્યુ છે કે તેમની ખુરશી છીનવવા માટે નવી દિલ્હી અને કાઠમંડૂ ખાતે ષડયંત્ર રચાઈ રહ્યા છે. તેમણે આના માટે નેપાળના નવા વિવાદીત રાજકીય નક્શાના વિવાદને કારણ ગણાવ્યુ છે. પરંતુ સચ્ચાઈ એ છે કે ચીન સાથે ઘનિષ્ઠતા ધરાવતા ઓલી માટે ચીનથી આવેલા કોરોના વાઈરસના ચેપને રોકવામાં નિષ્ફળતાના મોટા કારણને કારણે તેમની ખુરશી પર ખતરો તોળાઈ રહ્યો છે.

એક અખબારની વેબસાઈટ પરના અહેવાલમાં દાવો કરાયો છે કે બિહારના વાલ્મિકીનગરમાં સુસ્તા ક્ષેત્રમાં નેપાળે સંપૂર્ણપણે કબજો કરી લીધો છે અને ભારતીયોના અહીં આવવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે. આ વિસ્તારમાં 7100 એકર જમીન પર નેપાળ સાથે જૂનો વિવાદ છે. હવે નેપાળે સુસ્તાની સાથે નરસહી જંગલ પર પણ દાવો ક્રયો છે. નેપાળ આર્મ્ડ ફોર્સે અહીં છાવણી પણ બનાવી લીધી છે. ત્રિવેણી ઘાટની નજીક નદી કિનારે જંગલમાં પણ નેપાળે પોતાના ઝંડા લગાવી દીધા છે. ભારત અને ચીન વચ્ચેના તણાવ દરમિયાન પહેલીવાર બિહાર સીમા પર સેના લગાવવામાં આવી છે. કોરોના ક્વોરેન્ટાઈન સેન્ટરના નામ પર બનેલા કેમ્પ સેનાના ઠેકામા છે. સુપૈલના કુનૌલી બોર્ડરની સામે નેપાળના રાજ બિરાજ ભંસાર ઓફિસ નજીક સેનાની હલચલ જોવા મળી છે. મધુબનીના મધવાપુરની નજીકના મટિહાની તરફ પણ નેપાળી સેનાની ગતિવિધિઓ જોવા મળી છે. જો કે રક્સૌલની નજીક મહદેવા ગામની પાસે તેનાત નેપાળી જવાને કહ્યુ છે કે આ થોડાક દિવસની વાત છે. પહેલા જેવી સ્થિતિ જલ્દીથી થઈ જશે.

દુનિયામાં કોરોનાના કેસ એક કરોડથી વધારે થયા છે અને ભારતમાં 5.30 લાખ થયા છે. રાહુલ ગાંધીના કોરોનાની લડાઈમાં સરકારે સરન્ડર કર્યું હોવાના ટ્વિટનો અમિત શાહે જવાબ આપ્યો છે. અમિત શાહે કહ્યુ છે કે કેટલાક વક્રદ્રષ્ટાને સીધી વાતમાં પણ ઉંધુ દેખાય છે. ભારત કોરોના સામેની લડાઈ ઢંગથી લડયુ છે.

Leave Comments