ટ્રમ્પે પાકિસ્તાનને કાશ્મીરથી દૂર રહેવા જણાવ્યું

August 20, 2019 965

Description

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન સાથે તણાવની વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોના પીએમ સાથે વાત કરી છે. પીએમ નરેન્દ્ર મોદી સાથે વાત કર્યા બાદ ટ્રમ્પે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન સાથે વાત કરી અને તેમણે કાશ્મીરના મુદ્દા પર સંયમ વર્તવાનું કહ્યું છે.

ટ્રમ્પે ઇમરાનને વધતા તણાવને રોકવાની અને એવી સ્થિતિથી બચવાની સલાહ આપી છે. બંને નેતાઓ સાથે વાત કર્યા બાદ ટ્રમ્પે કહ્યું કે ક્ષેત્રમાં સ્થિતિ તો ‘કઠિન’ છે પરંતુ તેમની બંને પીએમ સાથે સારી વાત થઇ છે.

ટ્રમ્પે કહ્યું કે મેં બે સારા મિત્રો પીએમ મોદી અને પીએમ ઇમરાન ખાન સાથે ટ્રેડ, રણનીતિક ભાગીદારી, અને સૌથી ખાસ વાત કાશ્મીરમાં તણાવને લઇ કરી છે. તેમણે ટ્વીટ કરી લખ્યું કે સ્થિતિ ‘કઠિન’ છે પરંતુ સારી વાત થઇ છે. વાતચીત દરમ્યાન ટ્રમ્પે ઇમરાનને જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર ભારતની વિરૂદ્ધ નિવેદનબાજી પર સંયમ વર્તવાની નસીહત આપી.

વ્હાઇટ હાઉસે કહ્યું કે ટ્રમ્પે કાશ્મીર પર બંને દેશો સાથે તણાવ ઓછો કરવાનો આગ્રહ કર્યો. ટ્રમ્પની ઇમરાન ખાન સાથે સપ્તાહની અંદર આ બીજી વખત વાતચીત થઇ છે.

શુક્રવારે પણ થઇ હતી ઇમરાન-ટ્રમ્પ વચ્ચે વાત

આપને જણાવી દઇએ કે ગયા શુક્રવારના રોજ પણ ટ્રમ્પ અને ઇમરાનની વચ્ચે વાત થઇ હતી. આ વાત દરમ્યાન ઇમરાને ટ્રમ્પ સાથે કાશ્મીરના મુદ્દા પર વાત કરી હતી અને ક્ષેત્રીય શાંતિ પર તેના ખતરાને લઇ પાકિસ્તાનની ચિંતાથી અવગત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે થોડાંક દિવસ પહેલાં ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ કાશ્મીરના મુદ્દા પર મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે. જો કે ભારતે જમ્મુ-કાશ્મીરને દ્વિપક્ષીય મુદ્દો ગણાવતા તેના પર કોઇ મધ્યસ્થતાની કોશિષને નકારી દીધી હતી. ભારતના નિવેદન બાદ અમેરિકાએ પણ કાશ્મીરને દ્વિપક્ષીય મુદ્દો માન્યો.

મોદીએ નામ લીધા વગર ઇમરાન પર નિશાન સાંધ્યું

આપને જણાવી દઇએ કે ટ્રમ્પે સોમવારના રોજ પીએમ મોદી સાથે અડધો કલાક ફોન પર વાત કરી હતી. આ દરમ્યાન પીએમ મોદીએ પાકિસ્તાન સાથેના સંબંધોને લઇ નામ લીધા વગર ટ્રમ્પને કહ્યું કે કેટલાંક નેતાઓનું ભારતની વિરૂદ્ધ હિંસાનું વલણ શાંતિની પ્રક્રિયામાં અડચણરૂપ છે. તેમનો ઇશારો પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની તરફ હતો, જેમણે તાજેતરમાં જ ભારત વિરોધી કેટલાંય નિવેદન આપ્યા છે.

Leave Comments