કંડલા પોર્ટ પર કરાચી જઈ રહેલુ શંકાસ્પદ જહાજની તપાસ કરાઈ

February 18, 2020 1535

Description

ચીનના જિયાંગજિન બંદરથી પાકિસ્તાન જઈ રહેલા જહાજને કંડલા બંદર નજીક રોકી તપાસ કરવામાં આવી રહી છે. પાકિસ્તાન જઇ રહેલા ચાઇનીઝ જહાજ ‘ધ કુઇ યુન’માંથી કથિત રીતે પરમાણુ હથિયાર લઇ જવામાં સક્ષમ મિસાઇલને લોન્ચ કરવાના ઉપકરણનો એક મહત્વપૂર્ણ ભાગ મળ્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે DRDOના વૈજ્ઞાનિકોની એક ટીમ પહેલા જ તપાસ કરી ચૂકી છે. આ જહાજ ચીનના જિયાંગયિન બંદરથી કરાંચીના મોહમ્મદ બિન કાસિમ બંદરે જવા માટે નિકળ્યું હતુ. 17 જાન્યુઆરીએ નીકળેલા જહાજને કસ્ટમ અધિકારીઓએ 3 ફેબ્રુઆરીએ કંડલા બંદરે રોકી તપાસ કરી હતી. પાકિસ્તાનના જે કાસિમ બંદરે જહાજ જઇ રહ્યું હતુ, તે બંદર અત્યારે પાકિસ્તાન માટે ન્યૂક્લિયર પ્રોગ્રામ ડેવલપ કરી રહેલી સંસ્થા સુપારકો પાસે છે.

જહાજના ક્રૂ મેમ્બર્સ દાવો કરી રહ્યા છે કે, આ ઉપકરણો ઔદ્યોગિક ડ્રાયર છે. પરંતુ DRDOની પ્રાથમિક તપાસમાં એ લાગે છે કે તે ઓટોક્લેવ છે જેનો ઉપયોગ મિસાઇલ લોન્ચ કરવા માટે થાય છે. તેની લંબાઇ લગભગ 17-18 મીટર અને પહોળાઇ લગભગ 4 મીટર છે. જો તે ઓટોક્લેવ સાબિત થશે તો ક્રૂ મેમ્બર્સ અને જહાજના માલિક વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય નિયમો પ્રમાણે કાર્યવાહી થશે.

 

 

Leave Comments