લાંચિયા અધિકારીઓ સામે ACBએ કસ્યો સકંજો, 2ની કરી ધરપકડ

October 23, 2018 1100

Description

લાંચિયા અધિકારીઓ સામે ACBએ રાજ્યવ્યાપી સકંજો કસ્યો છે. અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ વતી લાંચ લેતો વચેટિયો ઝડપાયો છે. આરોપીને કોર્ટમાં જલ્દી રજૂ કરવા અને આરોપીને માર નહીં મારવા માટે 30 હજારની લાંચ માગવામા આવી હતી. જેને લઇને પીએસઆઇ મારૂના વચેટિયાને 30 હજારની લાંચ સાથે ઝડપી પડાયો હતો.

વાપીમાં પોલીસ કોન્સ્ટેબલ રંગે હાથ રૂપિયા 12 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો. એસીબીની ટીમે છટકું ગોઠવીને વાપીના ગીતાનગર પોલીસ ચોકીમાં કોન્સ્ટેબલને લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. વલસાડ એસીબીએ સમગ્ર મામલે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.

તો આ પહેલા પણ 15ઓક્ટોબરના રોજ ACBએ 6 કલાકમાં રાજ્યના અલગ અલગ 6 સ્થળ પર રેડ કરી લાંચિયા બાબુઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. દાહોદ, અંકલેશ્વર, અંબાજી, જામનગર, વડોદરા અને નર્મદામાંથી ACB રેડ કરી હતી. વડોદરામાંથી એનફોર્સમેન્ટ ઓફિસર પારૂલબેન તિવારીનો એજન્ટ રૂપિયા એક લાખની લાંચ લેતા ઝડપાયો.

માંડલના DYSP ઓફિસના 2 પોલીસકર્મીની લાંચ કેસમાં ધરપકડ કરી હતી. દાહોદમાં મામલતદાર રૂ.31 હજારની લાંચ લેતા ઝડપાયા હતા. તો અંકલેશ્વરમાં તલાટી અને સરપંચ 10 હજારની લાંચ લેતા ઝડપાયા હતા. બનાસકાંઠાના અંબાજીમાં તલાટી રૂપિયા 6 હજારની લાંચ લેતા ઝડપાયા હતા. તો જામનગરમાં PSI સંજય મહેતા, દિનેશ મકવાણા, હસમુખ તેરૈયા રૂપિયા 50 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા હતાં.

Leave Comments