ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પર વધુ એક મોટું આંદોલન

February 17, 2020 815

Description

LRDની ભરતીમાં જીએડીના 1 ઓગસ્ટ, 2018ના ઠરાવ મામલે અનામત અને બિન અનામત વર્ગ દ્વારા ગાંધીનગરમાં આંદોલનને કારણે સરકારની સ્થિતિ કફોડી થઇ ગઇ છે. આ મામલે ગુજરાત સરકારે વચલો રસ્તો કાઢ્યો છતાં આંદોલનની બંધ થવાનું નામ લઈ રહ્યું છે. ગઈકાલે મોટી બેઠકો બાદ મુખ્યમંત્રી રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય વચ્ચે બેઠક બાદ એક નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ સરકારનો આ વચલો રસ્તો પણ અનામત અને બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને મંજૂર નથી. આજે આ મુદ્દે એક મોટા સમાચાર મળી રહ્યા છે.

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પર વધુ એક આંદોલન જોવા મળી રહ્યું છે. સરકારે ગઈકાલે વચલો રસ્તો કાઢીને તમામ વર્ગની વિદ્યાર્થિનીઓની સંખ્યા વધારી તો દીધી, પરંતુ બીજી બાજુ પુરુષોને અન્યાય થાય તેવું ચિત્ર ઉપસી આવતા આજે સત્યાગ્રહ છાવણીમાં મહિલાઓની બેઠક વધતા હવે પુરૂષો મેદાને આવ્યા છે. જેના કારણે સરકારની સમાધાન યોજના બાદ કોકડું વધુ ગૂંચવાયું છે. તમને જણાવી દઈએ કે, પુરુષો મહિલા અનામતની ટકાવારી વધતા વિરોધ કરી રહ્યા છે.

રાજ્ય સરકારની એલઆરડીમાં સીટ વધારાની જાહેરાત કર્યા બાદ હવે પુરુષો પણ આંદોલનના માર્ગે નીકળ્યા છે. એલઆરડી ભરતી પ્રક્રિયામાં અનામત અને બિન અનામતને અન્યાય ન થાય એ માટે રાજ્ય સરકારે મહિલાઓની બેઠકોમાં વધારો કર્યો છે. જો કે હવે આ વધારો કરતાં પુરુષોને અન્યાય થતો હોવાથી LRD પુરુષ વર્ગના યુવાનોએ પણ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. જ્યાં સુધી મહિલાઓની બેઠકમાં વધારો થયો છે તે રીતે પુરૂષની બેઠકમાં વધારો ન થાય ત્યાં સુધી આંદોલન કરવામાં આવશે. ગાંધીનગર ઉપવાસ છાવણીમાં આજથી એલઆરડી પુરુષો દ્વારા પણ આંદોલનના શ્રીગણેશ કરવામાં આવ્યા.

અનામત આંદોલન મામલામાં LRDની ભરતીમાં જીએડીના 1 ઓગસ્ટ, 2018ના ઠરાવ મામલે સરકારની જાહેરાતથી અસંતોષ બિનઅનામત વર્ગનું આંદોલન યથાવત છે. તો બીજી તરફ, LRD ભરતીમાં સરકારના નિર્ણય બાદ પણ અનામત વર્ગની મહિલા ઉમેદવારોનું આંદોલન ગાંધીનગરમાં ચાલુ જ છે. તો સત્યાગ્રહ છાવણી ખાતે અનામત વર્ગની મહિલાઓના આંદોલનનો આજે 70મો દિવસ છે. 1-08-2018નો ઠરાવ રદ્દ કરવા આંદોલન ચાલુ રહેશે તેવુ તેઓનું કહેવુ છે. સરકાર ઠરાવ રદ્દ કરશે તો જ અનામત વર્ગનું આંદોલન પૂર્ણ થશે.

 

 

Leave Comments