દર્શન કરો અમદાવાદના બાપુનગરમાં આવેલ દેવ હનુમાનના

September 15, 2020 650

Description

દેવ હનુમાનને દેવાધી દેવ મહાદેવના રુદ્ર અવતાર માનવામાં આવે છે. અને જો ના દિવસે દેવ હનુમાનની આરાધના કરી લીધી તો દેવ હનુમાનની સાથે સાથે દેવાધીદેવ મહાદેવની પણ કૃપા પ્રાપ્ત થતી હોવાની માન્યતા છે. આવો ત્યારે દેવ હનુમાનની કૃપા મેળવવા જઇએ તેમના એક દુર્લભ મંદિરના દર્શને જે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલુ છે . કરીએ દેવ હનુમાનના દર્શન અને મેળવીએ તેમના આશિર્વાદ.

ભુત પિસાચ નિકટ નહી આવે મહાવીર જબ નામ સુનાવે. દેવ હનુમાન માટે કહેવાય છે કે દેવ હનુમાનનું જો સ્મરણ પણ તમે કરી લો તો તમારી આસપાસ રહેલા તમામ અનિષ્ટ તત્વોનો નાશ થઇ જાય છે અને દેવ હનુમાનની વિશેષ કૃપા ભક્તોને પ્રાપ્ત થાય છે. આવા કલ્યાણકારી દેવના એક કલ્યાણકારી મંદિરના દર્શન કરવા આવો આપણે જઇએ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં કે જ્યાં સાક્ષાત  સંકટ મોચન હનુમાનનો વાસ છે.

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ગીચ વસ્તીની વચ્ચે શ્રી ભીડભંજન હનુમાનનું પાવન સ્થાનક આવેલુ છે. કહેવાય છે કે આ મંદિરની સ્થાનપના દસકાઓ પુર્વે થઇ હતી. જે આસપાસના વિસ્તારમાં અને અમદાવાદના ખુણેખુણાથી આવતા ભકતો માટે આસ્થાનું કેન્દ્રબિંદુ બની ગયુ છે. ભીડભંજન હનુમાન મંદિરમાં પ્રવેશતા જ એક વિશાળ ત્રિશુળ અને તેની સાથે પ્રજવ્લિત અખંડ અગ્નિના ભક્તોને દર્શન થાય છે જેના દર્શન કરીને ભક્તો મંદિરના મુખ્ય ગર્ભ ગૃહમાં પ્રવેશે છે.

મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતા જ અહીં ભક્તોને કેસરી નંદન પવનસુત હનુમાનના કલ્યાણકારી દર્શન થાય છે..કેસરી સિંદુર, આંકડાના પુષ્પોનો શ્રૃગાંર હાથમાં ગદા અને ભક્તોને આકર્ષતુ કપિરાજનું સુંદર મુખ ભક્તોની આસ્થામાં વધારો કરે છે અને ભક્તો સંપુર્ણ શ્રદ્ધા સાથે દેવ હનુમાન સમક્ષ અહીં નતમસ્તક થયા વગર નથી રહી શકતા.

અહીં દેવ હનુમાનની સુંદર મુરતની સાથે તેમની જમણી બાજુ ભગવાન રામ માતા સીતા અને ભાઇ લક્ષ્મણની પણ મુર્તિ સ્થાપિત કરાઇ છે. જેના પણ ભક્તો દર્શન કરીને પાવનતાની અનુભુતી કરે છે. અહીં દેવ હનુમાનની જમણી બાજી ભગવાન રામ, લક્ષ્મણ અને માતા સીતાની મુર્તિ છે તો તેમની ડાબી બાજુ શ્રી લક્ષ્મી નારાયણના દર્શન અહીં ભક્તોને થાય છે.

મંદિરમાં દર મંગળવાર અને શનિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે. અને ધન્યતાની અનુભુતિ કરતા હોય છે. અહીં ભીડભંજન મંદિરમાં દેવાધી દેવ મહાદેવનું પાવન સ્થાનક પણ આવેલુ છે. અહીં મહાદેવ મંગલેશ્વર મહાદેવના નામે ઓળખાય છે. અને શ્રીભીડભંજન હનુમાનના દર્શને આવતા ભક્તો અહીં મંગલેશ્વર મહાદેવના દર્શને આવવાનું અને મહાદેવને જળાભિષેક કરવાનું પણ નથી ચુકતા.

અહીં મંદિરમાં વિશેષ સેવાકીય પ્રવૃત્તિઓ પણ ચાલે છે. અહીં મંદિરમાં ગૌશાળા પણ કાર્યરત છે જે ભક્તો ગાયને ઘાસ કે પછી ગાય માટે દાન આપવાની ઇચ્છા ધરાવતા હોય તો અહીં મંદિરમાં તેની પણ વ્યવસ્થા કરાઇ છે. ખાસ કરીને દર શનિવારે તો અહીં વિશાળપાયે ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે. જ્યાં નાના મોટા અને વયોવૃદ્ધ તમામ લોકો સેવા આપીને કૃતજ્ઞ થાય છે. અહીં 91 વર્ષિય અમૃતલાલ બારોટ જે પોતે સ્વતંત્ર સેનાની પણ રહી ચુક્યા છે તે પણ અચુક અહીં આ સેવા કાર્યમાં દર શનિવારે આવે છે.

અહીં આવતા દરેક ભક્તો દાદા પર અતુટ શ્રદ્ધા રાખે છે. અને તેમની દરેક માનતા દાદા જરુર પુરી કરશે તેવી જ આશ લઇને પોતાના ઘરે પરત ફરે છે. અને આ શ્રદ્ધા જ તો છે જે આ તમામ ભાવી ભક્તોને નિત્ય આ મંદિરે ખેંચી લાવે છે.

Leave Comments