દર્શન કરો ગાંધીનગરના ડભોડામાં આવેલ ડભોડિયા હનુમાન મંદિરના

January 14, 2020 2240

Description

મંગળવારના દિવસે આજે આપને દર્શન કરાવીશુ પ્રાચીન હનુમાન મંદિરના. ગાંધીનગરના ડભોડામાં આજથી એક હજાર વર્ષ પહેલા પ્રાગટ્ય થયુ હનુમાન દાદાનુ. આ મંદિર આજે ડભોડિયા હનુમાન તરીકે જગપ્રસિદ્ધ બન્યુ છે. જ્યાં દર્શન થાય છે ”ડભોડિયા હનુમાનજી”નાં સિંદૂરી સ્વરૂપના જે ખરેખર મનમોહક છે. દાદાના દર્શન કરતા જાણે તેમના ભવોભવના કષ્ટો દૂર થાય છે.

એવું કહેવાય છે કે, જયારે અલ્લાઉદીન ખીલજીએ પાટણ પર ચડાઈ કરી ત્યારે પાટણના રાજાએ મહેલ છોડી અહીંયાં ગાઢ જંગલમાં આવીને સહારો લીધો.જે પ્રાચીન કાળમાં ‘દેવગઢ’ નામે ઓળખાતું હતું. જંગલમાં ભરવાડો પોતાનુ પશુધન ચરાવવા આવતા ત્યારે એક દિવસ રાજાએ જોયુ કે એક ગાય નિશ્ચિત જગ્યા પર જઈને પોતાના દૂધનો અભિષેક કરતી હતી. રાજાએ પોતાના પુરોહિતને બોલાવી ખોદકામ કરાવ્યું, સૌના આશ્વર્ય વચ્ચે જમીનમાંથી સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ પ્રાગટ્ય થઇ, સમય જતા આ સ્થળે ડભોડા ગામ વસ્યુ તેથી આ ધામ ડભોડિયા હનુમાનજી મંદિર તરીકે વિખ્યાત થયું.

પ્રભુ શ્રી રામના પરમ ભક્ત એવા હનુમાનજીને કળિયુગના દેવ કહેવાય છે. જેના નામ સ્મરણથી તમામ ભય અને પરેશાની દૂર થાય છે. ગુજરાતના સુપ્રસિદ્ધ એવા ડભોડિયા હનુમાન મંદિરમાં દર શનિવાર અને મંગળવારે ભાવિક ભક્તો કેસર અને તેલથી અભિષેક કરી હનુમાન કૃપા પ્રાપ્ત કરે છે.

આ ગામના લોકો પોતાના દિવસની શરુઆત હનુમાન દાદાના દર્શન સાથે કરે છે. રોજ વહેલા સવારે 5 વાગે મંગળા આરતીથી હનુમાનજીની પૂજાનો પ્રારંભ થાય છે. બપોરે દાદાને થાળ ધરાવવામાં આવે છે. આ રીતે આખો દિવસ આ મંદિરના દ્વાર ખુલ્લા રહે છે. સાંજે સૂર્યાસ્ત સમયે સૌપ્રથમ રામચંદ્રની આરતી અને પછી હનુમાનદાદાની આરતી થાય છે. રાત્રે 9 કલાકે મંદિરના દ્વાર બંધ કરવામાં આવે છે.

 

Tags:

Leave Comments