દર્શન કરીએ જામનગરમાં આવેલ નર્મદેશ્વર મહાદેવના

August 23, 2019 1775

Description

શ્રાવણ માસના આ પવિત્ર દિવસોમાં સૌરાષ્ટ્રના એક કલ્યાણકારી શિવાલયનો મહિમા જણાવીશુ. આ સ્થાનક નર્મદેશ્વર મહાદેવના નામે લોકોના મનમાં પૂજાય છે. જામનગર શહેરમાં પંચવટી ગૌશાળામાં આજથી વર્ષો પહેલા દ્વારકાપીઠના શંકરાચાર્ય પૂજ્ય સ્વામી શ્રી સ્વરુપાનંદજી સરસ્વતી મહારાજે પૂજન વિધિ કરી હતી. ત્યારથી જ મહાદેવનું આ શિવાલય ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યુ છે.

શ્રાવણ માસ દરમિયાન નર્મદેશ્વર મહાદેવના આ મંદિરમાં નિત્ય સવારથી જ ભક્તો પધારવાનું શરૂ થઈ જાય છે. રોજ સવારે 7 વાગે થતી આરતીથી તમામ શ્રદ્ધાળુઓના દિવસનો આરંભ થાય છે. અબાલવૃદ્ધ સૌ કોઈ વિવિધ પુષ્પ, બિલિપત્ર અને અભિષેકના માધ્યમથી શિવકૃપા પ્રાપ્ત કરે છે. આ મંદિરનું સંચાલન પંચવટી મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા થાય છે. તમામ ભક્તો શાંતિપૂર્ણ વાતાવરણમાં પવિત્ર મનથી ભોળાનાથની આરાધના અને પૂજા અર્ચના કરી શકે તેવી સુંદર વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે.

જયારે જગદગુરૂ શંકરાચાર્યજી જામનગર પધાર્યા ત્યારે 1989માં તા.23 થી 25 દરમ્યાન મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં હજારો શિવભક્તોએ લાભ લીધો હતો અને પંચવટી વિસ્તારમાં આવેલા ખુદ શંકરાચાર્યજીએ કરકમળો વડે મંદિરના શિવલિંગની સ્થાપના મહોત્સવમાં હાજર રહ્યા ત્યારે વેદો મંત્રોચ્ચારથી આ મંદિરને ખુલ્લું મુકવામાં આવ્યું હતું।

આ શિવાલયમાં કૈલાશપતિ ભોળાનાથ સંગ અન્ય દેવીદેવતાના પણ દર્શન કરી શકાય છે. જેમાં રાધાકૃષ્ણ,  પવનપુત્ર હનુમાનજી, શક્તિ સ્વરુપા અંબા માતા, પરમ દયાળુ સંતોષી માતા, કલ્યાણકારી શીતલા માતા, પુરુષોત્તમ ભગવાન અને જ્ઞાનપ્રાપ્તિ કરાવતા ગાયત્રી માતાનું પણ સ્થાપન કરવામાં આવ્યું છે.

સનાતન ધર્મના શાસ્ત્રોમાં શ્રાવણ માસનોં અપાર મહિમા ગવાયો છે, આ દિવસોમાં શિવઉપાસના દ્વારા અખુટ પુણ્યપ્રાપ્તિ થાય છે. જીવને મોક્ષ અપાવતા શ્રાવણ માસ દરમિયાન આ શિવાલયમાં પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી રૂદ્રાભિષેક કરવામાં આવે છે, અને શિવભક્તો દ્વારા દરરોજ થાળ ધરવામાં આવે છે. તો વળી મંદિરના શિખર પર લહેરાતી આ પવિત્ર ધ્વજા પણ ભક્તોની આસ્થાની સાક્ષી પૂરે છે.

મહાદેવના આ ધામમાં હરિ અને હરનો પવિત્ર સંગમ પણ જોવા મળે છે. જી હા, દૂર દૂરથી આવતા ભાવિક ભક્તો માટે બાલ કૃષ્ણના સુંદર હિંડોળા બનાવાય છે. આ વખતે મંદિરમાં સુંદર ફળોના હિંડોળા બનાવામાં આવ્યા. તમામ ભક્તો બાલ કૃષ્ણને પોતાના હાથે હિંડોળે ઝુલાવી પુણ્યપ્રાપ્તિ કરે છે.

આ ઉપરાંત નવરાત્રી દરમ્યાન મંદિરમાં અબાલવૃદ્ધ સૌ કોઈ ગરબે ઘુમી માતાની ઉપાસના કરે છે. વર્ષ દરમિયાન દર 15 થી 20 દિવસે મંદિરમાં ગાયત્રી યજ્ઞનું પણ આયોજન થાય છે. મંદિર પરિસરમાં મહિલા ભક્તો દ્વારા સત્સંગની પ્રવૃત્તિ પણ એટલી જ આસ્થાથી કરવામાં આવે છે. તો આમ જામનગરનું આ પવિત્ર નર્મદેશ્વર મહાદેવનું મંદિર શ્રાવણ માસમાં ભક્તોના મનને શાંતિ આપવાની સાથે પુણ્યપ્રાપ્તિ કરાવે છે.

Leave Comments